અફઘાનિસ્તાન જાયન્ટ કિલર સાબિત થયું, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશને હરાવીને સેમીફાઈનલમાં પહોંચ્યું
- Published By : Jago News
- Updated on : 2024-06-25 15:43:46
નવી દિલ્લી: ICC T20 વર્લ્ડ કપ 2024 ના સુપર-8 તબક્કાની છેલ્લી મેચમાં
અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું છે. આ સાથે જ અફઘાનિસ્તાને ઈતિહાસ રચી દીધો
છે. ટીમે પહેલીવાર કોઈ ICC ટુર્નામેન્ટમાં સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે. બાંગ્લાદેશ હારતા ઓસ્ટ્રેલિયા
બહાર ફેંકાયું છે. અફઘાનિસ્તાનની જીત સાથે
જ ઓસ્ટ્રેલિયાની સેમિફાઈનલમાં પહોંચવાની આશા ખતમ થઈ ગઈ છે. સુપર-8ની 3 મેચમાં ઓસ્ટ્રેલિયાએ
માત્ર એક જ જીત મેળવી છે અને તેના 2 પોઈન્ટ છે.
અફઘાનિસ્તાને 2 મેચ જીતીને 4 પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. હવે 27 જૂને ત્રિનિદાદમાં
સવારે 6 વાગ્યે સેમિફાઈનલમાં અફઘાનિસ્તાન સાઉથ આફ્રિકા સામે ટકરાશે. ટીમ ઈન્ડિયા એ જ
દિવસે ગુયાનામાં ઇંગ્લેન્ડ સામે રાત્રે 8 વાગ્યે સેમિફાઈનલ રમશે.
બાંગ્લાદેશ સામેની
મેચમાં રાશિદ ખાને ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાને
115 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રહેમાનુલ્લા ગુરબાઝે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. ચેઝ કરી રહેલી
બાંગ્લાદેશ ટીમની વિકેટ સતત પડતી રહી. લિટન દાસ એકલો લડી રહ્યો હતો. લિટને 54 રન બનાવ્યા હતા, પરંતુ બીજા છેડે કોઈ
બેટર ટકી શક્યો નહોતો. બાંગ્લાદેશની ટીમ 105 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાનના ઝડપી
બોલર નવીન ઉલ હકે 18મી ઓવરમાં સતત 2 વિકેટ લઈને અફઘાનિસ્તાન માટે મેચ જીતી લીધી હતી. આ મેચમાં કેપ્ટન રાશિદે પણ 4 વિકેટ લીધી હતી.