logo

header-ad

રાજકોટમાં હોટલના ચોથા માળેથી દોઢ વર્ષની બાળકી નીચે પટકાઈ, દડાની જેમ ઊછળતાં મોત; માતા મોબાઇલમાં વ્યસ્ત હોવાનું હોટલ સ્ટાફનું રટણ

  • Published By : Jago News
  • Updated on : 2021-12-02 13:40:07

રાજકોટ શહેરના ગોંડલ રોડ પર માતા-પિતા માટે ચેતવણીરૂપ એક કિસ્સો સામે આવ્યો છે. ગોંડલ રોડ પરની ખાનગી હોટલના ચોથા માળેથી પટકાતાં દોઢ વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થતાં અરેરાટીભર્યાં દૃશ્યો સામે આવ્યાં છે. સીસીટીવીમાં જોઇ શકાય છે કે બાળકી નીચે પટકાઇ છે ત્યારે જમીન પર દડાની માફક ઊછળી પડે છે. બાદમાં શરીર ઊંધું થઇને જમીન પર પટકાઇ છે. હોટલના સ્ટાફનું એક જ રટણ છે કે બાળકી ચોથા માળે રમી રહી હતી ત્યારે તેની માતા મોબાઇલમાં વ્યસ્ત હતી.

માતા પણ આઘાતમાં આવી બેહોશ થઈ
હોટલ સ્ટાફના જણાવ્યા મુજબ, માતા-પુત્રી રાજકોટમાં સગાઈ પ્રસંગ હોવાથી તેના સંબંધીએ તેમના માટે હોટલના ચોથા માળે રૂમ બુક કરાવ્યો હતો. આજે બંને રૂમમાં હતાં ત્યારે માતા મોબાઈલ જોઈ રહી હતી. ત્યારે જ તેની બાળકી રમતાં રમતાં બારીમાંથી નીચે પડી ગઈ હતી. ઘટનાને પગલે માસૂમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી, પરંતુ અહીં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. પુત્રીના મોતની જાણ થતાં માતા પણ આઘાતને કારણે બેહોશ થઈ જતાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ છે. ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પુણેથી રાજકોટ સગાઈ પ્રસંગે આવ્યાં હતાં
પુણેના રહેવાસી માનસીબેન કાપડિયા રાજકોટમાં સગાઈ પ્રસંગ હોવાથી ગોંડલ રોડ પર આવેલી ધ પાઇનવિન્ટા હોટલમાં ચોથા માળે રોકાયાં હતાં. તેની પુત્રીનું નામ નિત્યા છે તેમજ માનસીબેનના પતિનું નામ દીપેશભાઈ કાપડિયા છે. આજે માતા-પુત્રી રૂમમાં હતાં ત્યારે માતા મોબાઇલમાં વ્યસ્ત બનતાં રમી રહેલી નિત્યા ક્યારે બારીના ભાગે જતી રહી એનો ખ્યાલ રહ્યો નહોતો.

રમતાં રમતાં નિત્યા બારીએ પહોંચી ગઈ
રમતાં રમતાં નિત્યા બારીમાંથી નીચે પટકાઈ હતી અને ખાનગી ડ્રાઇવરને જાણ થતાં તેણે બૂમો પાડતાં હોટલના કર્મચારીઓ એકઠા થઇ ગયા હતા અને તેની માતાને જાણ કરવામાં આવી હતી. બાદમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી, પરંતુ ટૂંકી સારવાર બાદ નિત્યાનું મોત નીપજ્યું હતું

પરિવાર પુણે રહે છે
રાજકોટમાં સંબંધીને ત્યાં સગાઈ પ્રસંગ હોવાથી માનસીબેન તેની પુત્ર નિત્યા સાથે રાજકોટ આવ્યાં હતાં. ગોંડલ રોડ પર હોટલમાં રૂમ સંબંધીએ માતા-પુત્રીને ઉતારો આપ્યો હતો. માનસીબેનના પતિ દીપેશભાઇ પુણેમાં રહે છે.

અગાઉ બિલ્ડિંગના પાંચમા માળે રમતાં-રમતાં પટકતાં 3 વર્ષના બાળકનું મોત થયું હતું
7 મહિના પહેલાં રાજનગર ચોક નજીક આવેલા ગાયત્રી સ્ક્વેર બિલ્ડિંગમાં ચોકીદારી કરતા અને ત્યાં જ રહેતા ખડગભાઇ સોમદના બિલ્ડિંમાં નીચે હતા. પત્ની તેના ત્રણ વર્ષનો પુત્ર કુબેરને લઇને બિલ્ડિંગના પાંચમા માળે રસોડામાં રસોઇ બનાવવા માટે ગઈ હતી. ત્યારે પત્ની રસોઇ બનાવતી અને પુત્ર કુબેર ત્યાં રમતો હતો. દરમિયાન કુબેર રમતાં રમતાં અચાનક પાંચમા માળેથી નીચે પટકાતાં પત્ની જોઇ જતાં દેકારો મચાવતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. પાંચમા માળેથી પડતાં કુબેરને માથા તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી. આસપાસના લોકો અને તેની માતા દ્વારા કુબેરને ઘાયલ અવસ્થામાં તાકીદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

 

Related News