5 દિવસ પહેલાં થયેલા અકસ્માતે તથ્યકાંડની યાદ અપાવી, દારૂના નશામાં ધૂત નબીરાએ 8 માસૂમને કચડ્યા, લાશો ઉઠાવવી પણ મુશ્કેલ હતી
- Published By : Jago News
- Updated on : 2024-02-06 17:20:25
ગત ગુરુવારની રાત્રે આણંદના નાવલી ગામ નજીક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં દારૂ પીને પૂરપાટ ઝડપે કાર ચલાવનાર જેનિસ પટેલે માર્ગ પર આગળ જતાં બે બાઇક અને સામેથી આવતી બે બાઈકને અડફેટે લઈ આઠ વ્યક્તિને કચડી હતી, જેમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. એ અકસ્માતનો કાળજું કંપાવી દેતો વીડિયો હવે સામે આવ્યો છે.
વીડિયોમાં શું દેખાય છે?
અકસ્માતના સામે આવેલા વીડિયોમાં ચાર લોકો રોડ પર પડેલા દેખાય છે, જેમાં એકનું ઘટનાસ્થળે મોત અને અન્ય ત્રણ રોડ પર તડપી રહ્યા હોય એવાં દૃશ્યો દેખાય છે. વીડિયોમાં જોવા મળે છે કે એક યુવતી લોહીલુહાણ હાલતમાં પોતાના મિત્રને વળગીને ધ્રુસકે-ધ્રુસકે રડીને જતીન..ઊઠ..જતીન..ઊઠ..એમ જોર-જોરથી બોલી રહી છે. બીજી તરફ, અકસ્માત બાદ મદદે આવેલા અન્ય વાહનચાલકો પણ ઘટનાસ્થળનાં દૃશ્યો જોઈ હચમચી ઊઠ્યા હતા અને તાત્કાલિકપણે યુવતી અને અન્ય ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા પોલીસ અને એમ્બ્યુલન્સના કર્મચારીઓની મદદ કરી હતી.
શું હતી ઘટના
આણંદ તાલુકાના વાંસખીલિયા ગામમાં રહેતા 36 વર્ષીય અરવિંદભાઈ મનુભાઈ પરમાર અને તેમનો સાળો અરવિંદ ઉર્ફે પિન્ટુ જીવાભાઈ જાદવ (રહે. જાદવપુરા, ચકલાસી, તા.ખેડા) ગત ગુરુવારના રોજ રાત્રિના સાડાદશ વાગ્યાના અરસામાં બાઈક નંબર (GJ-07-AF-9565) લઈને દાવોલ ગામે જવા નીકળ્યા હતા. આ દરમિયાન અંધારિયા ચકલા ખાતે પિન્ટુના મિત્રો નાયરની દુકાનવાળો અન્નો અને સાગર (રહે.કણજરી) મળ્યા હતા. આ બંને જણા પણ પોતાની બાઈક લઈ અરવિંદ ઉર્ફે પિન્ટુ સાથે દાવોલ જવા નીકળ્યા હતા.
નબીરાએ ચાર બાઇકને ટક્કર મારી
આ ચારેય જણાં બે બાઈક લઈને નાવલી ગામનું બસ સ્ટેન્ડ પસાર કરી આગળ દહેમી તરફ જતા હતા. એ વખતે માર્ગ પર પાછળથી પૂરપાટ ઝડપે આવતી અર્ટીગા ગાડી નં.( GJ-23-AF-9723)ના ચાલકે પિન્ટુ અને તેના મિત્ર અન્નાની બાઈક ઉપરાંત સામેથી આવતી અન્ય બે બાઈકને ટક્કર મારી હતી. જેથી ચારેય બાઈક પર સવાર આઠેય વ્યક્તિ ફંગોળાઈને રોડ પર પટકાઈ હતી, જેમાં ગંભીર રીતે ઘવાયેલા પિન્ટુનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પિન્ટુના બનેવી અને બે મિત્રો ઉપરાંત અન્ય બે બાઈક પર સવાર જતીનભાઈ, અંકિતાબેન, આયુષીબેન તેમજ એક અજાણ્યા યુવકને ઈજાઓ પહોંચી હતી. આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં સારવાર દરમિયાન જતીનભાઈ, અંકિતાબેન અને અજાણ્યાં યુવકનું પણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
દારૂ પીને કાર ચલાવી જેનિસ પટેલે અકસ્માત સર્જ્યો
અકસ્માત બાદ ચાલક પોતાની કાર ઘટનાસ્થળે મૂકીને ભાગી ગયો હતો. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં આ અકસ્માત સર્જનાર કારચાલક જેનિસ હુગીશ પટેલ (રહે. નાપાડ, તા.આણંદ)ની અટકાયત કરી હતી. એ વખતે જેનિસ દારૂ પીધેલી હાલતમાં હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવ્યું હતું. આણંદ જનરલ હોસ્પિટલમાં જેનિસનું બ્લડ સેમ્પલ લેવડાવી તપાસ કરાવતાં તે દારૂ પીધેલી હાલતમાં હોવાનું સ્પષ્ટ થયું હતું, જેથી પોલીસે આ ગુનામાં સાપરાધ મનુષ્યવધ અને પ્રોહિબિશન સહિતની કલમનો ઉમેરો કરી તેની કાયદેસરની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તારીખ છઠ્ઠી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. આજ રોજ રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
મૃતકના ખિસ્સામાંથી જીવતી કારતૂસ મળી હતી
આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોતને ભેટેલા પિન્ટુ જીવાભાઈ જાદવના ખિસ્સામાંથી જીવતી કારતૂસ મળી આવી હતી. પોલીસે આ જીવતી કારતૂસ જપ્ત કરી હતી અને તપાસના ભાગરૂપે મૃતક પિન્ટુના ઘરે જઈ સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ ઘરમાંથી કોઈ ગુનાહિત વસ્તુ પણ મળી ન હતી. બીજી બાજુ આ પિન્ટુ છેલ્લાં અઢી વર્ષથી પોતાના ઘરે ગયો જ ન હોવાનું જાણવા મળ્યું છે.
બે વિદ્યાર્થીના મોતને પગલે કોલેજમાં ગમગીની છવાઈ
આ અકસ્માતમાં મૃત્યુ પામનાર 21 વર્ષીય જતીન લાલજીભાઈ હડિયા (રહે.સુરત) અને 26 વર્ષીય અંકિતા વાલજીભાઈ બલદાણિયા (રહે.કિકરિયા, તા.મહુવા) આણંદની એક કોલેજમાં અભ્યાસ કરતાં હતાં. આ બંને જણાં પ્રસંગમાં હાજરી આપી પરત જતાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બે વિદ્યાર્થીનાં મોતને પગલે કોલેજમાં ગમગીની છવાઈ છે. કોલેજના વિદ્યાર્થીઓએ આ અકસ્માત સર્જનાર જેનિસ પટેલને કડકમાં કડક સજા કરવાની માગ કરી છે.
જેનિસ પટેલ આવનારા દિવસોમાં પરત વિદેશ જવાનો હતો
મળતી માહિતી મુજબ અકસ્માત સર્જનાર કારચાલક જેનિસ પટેલ બે વર્ષ પૂર્વે સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો અને અભ્યાસ પૂર્ણ થતાં તે પરત વતન આવ્યો હતો. તે આવનારા દિવસોમાં જ પરત વિદેશ જવાનો હતો અને તેની ખુશીમાં મિત્રોને પાર્ટી આપી હતી. જે પાર્ટી કર્યા બાદ દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી ઘરે જતો હતો અને રસ્તામાં ચાર જિંદગીને કચડી નાખી હતી.